પ્રેકિટકલ પરીક્ષાના મુદ્દે આચાર્યોમાં પણ મુંઝવણ
ઘણી શાળાઓએ પ્રેકિટકલ પરીક્ષા લઈ લીધી હોવાથી વિદ્યાર્થીઓ ચોંકી ગયા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ૧૩મી માર્ચથી શરૃ થયેલી ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે પૂરી થવામાં છે ત્યારે છેલ્લા દિવસોમાં નવા નવા વિવાદો ઉભા થઇ રહ્યા છે. બુધવારે ડ્રોઇંગ વિષયનું પેપર હતું. જેમાં થીયરીની સાથે પ્રેકિટકલની પણ પરીક્ષા લેવાતા ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. કારણ કે તેઓની પ્રેકિટકલ પરીક્ષા તો શાળા દ્વારા ક્યારની લેવાઇ ગઈ હતી.
ડ્રોઇંગનું પેપર ત્રણ કલાકનું જ અને ૧૦૦ ગુણનું હતું. પરીક્ષા આપીને બહાર આવેલા વિદ્યાર્થીઓએ બળાપો ઠાલવતા કહ્યું કે અમારી શાળાએ જ પ્રેકિટકલ પરીક્ષા લઈ લીધી હતી, અમે તો માત્ર થીયરીની તૈયારી કરીને જ આવ્યા હતા. આ અંગે તેઓએ સુપરવાઇઝર સમક્ષ ફરીયાદ પણ કરી હતી પરંતુ તેઓએ એવો જવાબ આપ્યો કે આમાં અમે કશું કરી શકીએ નહીં. જયારે અમુક આચાર્યોએ એવું કહ્યું કે ધો. ૧૦માં ડ્રોઇંગ ની પ્રેકિટકલ પરીક્ષા શાળા લે છે અને તેના માર્કસ બોર્ડને મોકલી અપાય છે. પરંતુ ધો. ૧૨ની પ્રેકિટકલ અને થીયરીની ૧૦૦ માર્કસની પૂરી પરીક્ષા બોર્ડ જ લે છે.
જયારે કેટલાક આચાર્યોએ એવું કહ્યું કે કમ્પ્યુટર સહિતના અમુક પ્રેકિટકલ વિષયોની પરીક્ષા શાળાએ લેવાની હોય છે. આથી શાળા દ્વારા પ્રેકિટકલ ડ્રોઇંગની પરીક્ષા લેવાઇ ગઇ હતી. કારણ કે બોર્ડ દ્વારા પણ આ વર્ષે આ અંગેની કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. ડ્રોઇંગ વિષયની પ્રેકિટકલની પરીક્ષા જે શાળાઓએ લઈ લીધી હતી તેવી શાળાઓના વિદ્યાર્થીઓ બુધવારના પેપરમાં ભારે મુસિબતમાં મુકાઇ ગયા હતા.
જયારે બોર્ડના સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે ડ્રોઇંગના વિષયમાં ૭૦ માર્કસનાં પ્રેકિટકલની અને ૩૦ માર્કસની થીયરીની પરીક્ષા વર્ષોથી બોર્ડ દ્વારા જ લેવામાં આવે છે.
આ બાબતની જાણકારી શાળાના આચાર્યો અને શિક્ષકોએ રાખવી જોઈએ. જે શાળાને મનમાં શંકા હોય તો બોર્ડ પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ. જો કે બોર્ડ અને શાળાઓના સંકલનનાં અભાવે ઘણા વિદ્યાર્થીઓને આજની પરીક્ષામાં નુકસાન થયું છે એ હકિકત છે.