બીએડ કોલેજોમાં ૯૫૦૦ બેઠકો સામે ૨૫૦૦ ફોર્મ
બીએડમાં કોર્સને વિદ્યાર્થીઓનો મોળો પ્રતિસાદ :પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાયા બાદથી હજુ સુધી ૪૦૦૦ ફોર્મનું વેચાણ : ખુબ ઓછા ફોર્મ ભરાતા તર્ક-વિતર્કનો દોર શરૂ
બીએડની ગુજરાત યુનિર્વસિટી સંલગ્ન ૯૦ થી વધુ કોલેજોની ૯૫૦૦ બેઠક પર પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ તરફથી મોળો પ્રતિસાદ મળ્યો છે. સ્નાતક, અનુસ્નાતક, ગત વર્ષે બીએડમાં પ્રવેશથી વંચિતિ રહેલા વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ૨૫મી માર્ચથી ફોર્મ આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ ત્યારથી ૨૨મી એપ્રિલ સુધીમાં ૪૦૦૦ ફોર્મનું વેચાણ થયું છે, જ્યારે લગભગ ૨૫૦૦થી વધુ ફોર્મ ભરાયા છે. બીએડની કુલ બેઠકોની સામે પ્રવેશ માટે વેચાયેલા ફોર્મ તથા ભરાયેલા ફોર્મની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી તર્કવિતર્ક શરૂ થયા છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત યુનિર્વસિટી દ્વારા સંલગ્ન ૯૦થી વધુ કોલેજોની ૯૫૦૦ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ તરફથી ખુબ મોળો પ્રતિસાદ સાંપડયો છે. બીએડની ૯૫૦૦ બેઠકો સામે માત્ર ૨૫૦૦ ફોર્મ જ ભરાતા બીએડ કોલેજોના વળતા પાણી શરૂ થયા હોવાના અનુમાનો કરાઈ રહ્યા છે. કો-ર્ઓડિનેટર ડો.આરએસ પટેલના જણાવ્યાનુસાર, પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત કુલ ૨૫૦૦થી વધુ પ્રવેશ ફોર્મ ભરાઈને આવ્યા છે. હવે તેની ત્રણ તબક્કામાં ચકાસણી કરીને પ્રોવિઝનલ મેરિટ લીસ્ટની જાહેરાત ૨૦મી મેના રોજ થશે, જ્યારે ૨૫મી મેના રોજ બીએડ શાખામાં પ્રવેશ માટેના ફાઈનલ મેરીટ લીસ્ટની જાહેર કરાશે. મે મહિનાના અંતથી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં પાંચમી જૂન સુધીમાં અગાઉ પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં આવરી લેવાશે. ઉલ્લેખનીય છે કે બીએડ શાખાની કોલેજોની બેઠક પરની પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવેશ ફોર્મનું વેચાણ તેમ જ પ્રવેશ ફોર્મ ભરાઈને પ્રમાણમાં ઓછા આવ્યા છે ત્યારે પીટીસી કોલેજોની જેમ રાજ્યમાં બીએડ કોલેજોના પણ વળતા પાણી શરૂ થયા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.