કેટલાક તપાસકર્તા દ્વારા સાંઠગાંઠ રચી નક્કી કર્યા મુજબ માર્ક મૂકી તગડી કમાણી કરવામાં આવે છે
સુવિખ્યાત શિક્ષણનગરી વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિ.ની વાર્ષિક પરીક્ષાઓના પેપર ચકાસણી કાર્યક્રમમાં મસમોટુ માર્ક્સ ફીક્સીંગ કૌભાંડ ચાલતુ હોવાની ફરિયાદો ઉઠી છે. પેપર ચકાસણી દરમ્યાન તપાસણીકર્તાઓ દ્વારા ચોક્કસ વિદ્યાર્થીઓને લાભ થાય તે રીતે ચકાસણી કરવામાં આવતી હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. કેટલાક તપાસકર્તા દ્વારા સાંઠગાંઠ રચી પરીક્ષામાં માર્ક્સ સુધારણાનું મસમોટું કૌભાંડ આચરવામાં આવે છે. જેના કારણે અન્ય વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. યુનિ.ના સત્તાધીશો દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને થતો અન્યાય રોકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
વધુમાં જાગૃતોના જણાવ્યા મુજબ વિદ્યાધામ વિદ્યાનગર સ્થિત સ.પ.યુનિ. સમગ્ર રાજ્યમાં ખ્યાતી ધરાવે છે. રાજ્ય તેમજ રાજ્ય બહારથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અર્થે આવે છે. હાલમાં કેટલીક ફેકલ્ટીની વાર્ષિક પરીક્ષાઓ ચાલુ છે તો કેટલીક ફેકલ્ટીઓની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે અને પેપર ચકાસણીની કામગીરી ચાલુ છે. જો કે યુનિ.ની વિવિધ પરીક્ષાઓની પેપર ચકાસણીમાં છેલ્લા કેટલાક વર્ષથી કેટલાક તત્વો દ્વારા માર્કસ ફીક્સીંગનું સુવ્યવસ્થિત કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. વધુમાં મળતી વિગતો મુજબ કેટલીક કોલેજના વિદ્યાર્થીઓને ખાસ પ્રકારની લેખનકળા શીખવાડવામાં આવે છે અને તે રીતે ચકાસણી દરમ્યાન તેમના પેપર ઓળખી કાઢવામાં આવે છે તથા ચકાસણીમાં તેમને ઘણો લાભ આપવામાં આવે છે. એક જાગૃત શિક્ષણવિદે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પેપર ચકાસણી વખતે બારકોડેડ સ્ટીકર માર્યું હોવા છતાં પણ નીત નવા નુસ્ખા કરી વિદ્યાર્થીનો નંબર આસાનીથી ઓળખી શકાય છે. વધુમાં યુનિ.માં વગ ધરાવતા કેટલાક લોકો દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક પરીક્ષાના પેપરોમાં કોઈપણ જાતની નિશાની કરવાની મનાઈ હોવા છતાં ખાસ પ્રકારની નિશાનીઓ કરાવવામાં આવે છે અને બાદમાં આવા પેપર ઓળખી કાઢી તેમા નક્કી કર્યા મુજબના માર્કસ મુકી દેવાતા હોય છે અને તેના બદલામાં મસમોટી રકમ વસુલવામાં આવતી હોવાની ચર્ચાએ શિક્ષણનગરીમાં જોર પકડયું છે. આ અંગે યુનિ.ના સત્તાધીશો દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને પેપર ચકાસણીમાં માર્ક્સ ફીક્સીંગનું કૌભાંડ આચરતા તત્વો વિરૃધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ જાગૃતો દ્વારા કરવામાં આવી છે.
આવી બાબત મારા ધ્યાન પર નથી કુલપતિ
આ અંગે સરદાર પટેલ યુનિ.ના કુલપતિ ર્ડા.હરીશ પાઢનો ટેલીફોનીક સંપર્ક સાધી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે આવી કોઈ માર્ક્સ ફીક્સીંગની બાબત અમારા ધ્યાન પર આવી નથી.
જો કે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા અવનવી તરકીબો અજમાવી સપ્લીમેન્ટ્રીમાં નિશાની કરવામાં આવતી હોય છે. પરંતુ માર્ક્સ ફીક્સીંગ માટે જ આવી નિશાની કરવામાં આવી છે તેવું સાબિત ન થાય ત્યાં સુધી કાર્યવાહી ન કરી શકાય. જ્ઞાાનોદય ભવન ખાતે પરીક્ષાર્થીઓની ઉત્તરવહીની ચકાસણી માટે વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં પણ વિવિધ કોલેજો પર પેપર ચકાસણી કરવામાં આવતી હોવાની બાબતે તેઓએ પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે જ્ઞાાનોદયની વ્યવસ્થા પુરતી નથી.
તેથી કોલેજો પર પેપર ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવે છે. જો માર્ક્સ ફીક્સીંગની કોઈ બાબત ધ્યાન પર આવશે તો આગામી દિવસોમાં તે અંગે જરૃરથી કાર્યવાહી કરવામાં આવશે